|
Getting your Trinity Audio player ready...
|
ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક વિશાળ અને ગાઢ જંગલ હતું. એટલું ગાઢ કે દિવસે પણ ત્યાંથી પસાર થતાં ડર લાગે. એટલે જ તે ચોર-લુંટારાઓને છુપાવા માટેનું શ્રેષ્ઠ સ્થાન મનાતું. જંગલની આસપાસ અનેક નાનાં ગામડાં વસેલાં હતાં. એક સાંજે, આવા જ એક ગામનો ગોપાલ નામનો ગોવાળ તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તે જંગલના મધ્યભાગમાં પહોંચ્યો હશે ત્યાં, અચાનક એક માણસ બાજુની ઝાડીમાંથી બહાર નીકળ્યો.
ગોપાલે તેને પૂછ્યું, “તમે કોણ છો?” તો તે માણસે જવાબ આપ્યો, “તમે ડરશો નહીં, હું તો એક હમાલ છું. તમારી પેટી ખૂબ વજનદાર લાગે છે, લાવો હું ઊંચકી લઉં!”
ગોપાલને વિચાર આવ્યો, “આવા ગાઢ જંગલમાં હમાલ શું કરે? મને લાગે છે કે આ તો ચોર છે. શક્ય છે કે તેની પાસે હથિયાર હોય. મારે સાવધાનીપૂર્વક કોઈ યુક્તિ કરીને તેનાથી છુટકારો મેળવવો પડશે.”

એવું વિચારી, ગોપાલે ખુશીથી તે માણસને પોતાનો સામાન ઊંચકવા દીધો. બન્યું એવું કે, ગોપાલનો બાળપણનો મિત્ર મોહન આ જ જંગલના એક ખાલી ભાગમાં રહેતો હતો. મોહન પણ વ્યવસાયે ગોવાળ હતો. જંગલમાંથી લાકડાં કાપીને વેચતો અને ગુજરાન ચલાવતો. ગોપાલ તે હમાલને મોહનના ઘરે લઈ ગયો અને બોલ્યો, “અરે ભાઈ, આ આવી ગયું મારું ઘર; તું સામાન અહીં જ મૂકી દે.”
લુંટારાનો તો ખૂબ ગુસ્સો ચડ્યો, પણ તે કશું કરી શકે તેમ ન હતો. એટલે તેને વિચાર આવ્યો, “હું રસ્તામાં તો લુંટી શક્યો નહીં, પણ જો હું અહીં રોકાઈ જાઉં તો રાત્રે મારું કામ પૂરું કરી શકું.”
આવું વિચારી, લુંટારો અચાનક ચક્કર ખાતો હોય તેવો ડોળ કરીને, ધબ્બ! કરતો જમીન પર બેભાન થઈ પડ્યો. એ સમયે મોહન ઘરની બહાર આવ્યો અને જોયું કે ગોપાલ આવ્યો છે. તેને આશ્ચર્ય થયું, પણ ગોપાલે તેને કંઈ પૂછે તે પહેલાં જ ચુપ રહેવાનો ઇશારો કર્યો અને ધીમેથી કાનમાં કહ્યું, “આ માણસ લુંટારો છે અને મારો સામાન અને પૈસા ચોરવાના ઇરાદાથી મારી સાથે આવ્યો છે, પણ હું તેને અહીં લઈ આવ્યો છું જેથી આપણે તેને પકડી શકીએ. હવે, હું જેમ કહું તેમ કરજે.”
મોહનને વાત સમજાઈ ગઈ. બંને મિત્રોએ મળીને બેભાન હોવાનો ડોળ કરતા લુંટારાને ઊંચકી ઘરની અંદર લીધો. લુંટારો મનમાં મલકાતો વિચારવા લાગ્યો, “કેવા મૂર્ખ છે! રાત પડ્યે બંને સૂઈ જશે, એટલી વાર છે, આખું ઘર લૂંટીને નીકળી જઈશ!” લુંટારો હજી આ વિચારોમાં હતો ત્યાં જ, ગોપાલ અને મોહને તેને એક મોટા પટારામાં બંધ કરી દીધો અને ઉપરથી તાળું માર્યું. તેઓ પટારો ઘરથી દૂર એક ઊંડા ખાડામાં નાખી આવ્યા.

હવે, આપણે જાણીએ છીએ કે જંગલ તો આવા લુંટારાઓનું ઘર જ હતું. એટલે, બીજા કેટલાક લુંટારાઓની ટોળી ત્યાંથી પસાર થતી તે જગ્યાએ પહોંચી, જ્યાં પટારો પડેલો હતો. તેમણે એટલો મોટો પટારો જોઈને ખૂબ ઉત્સાહિત થઈ ગયા.
ટોળીમાંથી એક લુંટારો બોલ્યો, “ઓહો! આટલો મોટો પટારો… નક્કી કિંમતી સામાનથી ભરેલો હશે! આજે તો મોટી કમાણી થઈ.”
તેઓએ પટારો ખોલ્યો તો શું જોયું?
“અરે! આ તો આપણો જ સાથી!” લુંટારાઓ આ જોઈને ચકિત રહી ગયા. તેઓએ તે ચોરને પૂછ્યું, “ભાઈ, તું આ પટારામાં કેવી રીતે સપડાયો?” ચોરે તેમને સંપૂર્ણ ઘટના કહી સંભળાવી.
ગુસ્સે ભરાયેલા લુંટારાઓએ નક્કી કર્યું, “મિત્રો, હવે હું એકલો નથી. ચાલો આપણે સાથે મળીને તે બંનેને સજા કરીએ અને તેમનું ઘર લૂંટીએ!”
આ દરમિયાન, ગોપાલ અને મોહનને અંદાજો હતો કે લુંટારો તેના સાથીઓને લઈને પાછો આવશે જ. એટલે તેમણે પહેલાથી જ તૈયારી કરી રાખી હતી.
લુંટારાઓની ટોળી મોડી રાત્રે મોહનના ઘરે પહોંચી. ચારે બાજુ ગાઢ અંધારું હતું. તેમણે ધીમેથી દરવાજો તોડ્યો, પણ અંદર પ્રવેશે તે પહેલાં જ, તેમના પર ગરમ પાણીનો વરસાદ છૂટ્યો. ગોપાલ અને મોહન બાલદીઓ ભરી ભરીને ગરમ પાણી લુંટારાઓ પર ઢોળી રહ્યા હતા. ગરમ પાણી શરીર પર પડતાં જ લુંટારાઓ જોરદાર ચીસો પાડવા લાગ્યા, “આઈઈઈઈય્ય્ય! બળી ગયા! બચાવો!”
આટલું જ નહીં, મોહને તેમના પર બરફ જેવું ઠંડું પાણી ફેંકવાનું શરૂ કર્યું. “અરરરર!” લુંટારાઓ થરથર કાંપવા લાગ્યા. હવે તેઓ ઠંડીથી ધ્રુજતા હતા કે આઘાતથી, તે સ્પષ્ટ નહોતું. પછી તો ગોપાલે મુઠ્ઠી ભરી ભરીને લાલ મરચાનો ભુક્કો લુંટારાઓ પર નાખવા માંડ્યો.
આ આંચકો લુંટારાઓથી સહન ન થયો અને તેઓ ગુસ્સા અને પીડામાં ચીસો પાડવા લાગ્યા, “એઈઈઈઈઈ! બસ કરો!” મોહન અને ગોપાલે ઝડપથી લુંટારાઓની આખી ટોળીને ઘરમાં બંધ કરી દીધા અને પોતે બહાર નીકળી ગયા. બહાર આવીને તેમણે રાજમહેલના સૈનિકોને ખબર આપી. સૈનિકો તરત જ આવી પહોંચ્યા અને લુંટારાઓની ટોળીને પકડી લઈ ગયા.

આ રીતે ગોપાલ અને મોહન બંને મિત્રોએ સાથે મળીને, સમજદારી, હિંમત અને ચતુરાઈથી બદમાશોની ટોળકીથી પોતાનું રક્ષણ કર્યું.

