Getting your Trinity Audio player ready...
|
પંચતંત્રની આ વાર્તા આપણને શીખવે છે કે સમાજમાં દુષ્ટ વ્યક્તિઓ કોઈને પરેશાન કરવા માટે કોઈ ને કોઈ કારણ શોધી જ લે છે. જો તેમને કોઈ કારણ ન મળે, તો તેઓ કારણ ઉભું કરી લેશે. એક વાર તેઓ કોઈને સતાવવાનું નક્કી કરી લે, તો તે વ્યક્તિને ભગવાન જ બચાવે! એટલે, આવા અનિષ્ટ પાત્રોથી દૂર રહેવું એ જ આપણી સલામતી માટે ફાયદાકારક છે.
ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ.
એક વખત એક ગાઢ જંગલ હતું, જે નાની પહાડીઓ અને ખીણોથી ઘેરાયેલું હતું. તેમાં એક નાની નદી પણ વહેતી હતી. આ જંગલમાં એક વરુ રહેતો હતો. એક સવારે, વરુ એક નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો. ત્યાં તેની નજર એક સુંદર, ગોળ-મટોળ, સફેદ રૂ જેવા ઘેંટાના બચ્ચા પર પડી, જે થોડે દૂર નીચાણવાળા ભાગમાં પાણી પી રહ્યું હતું. ઘેંટાના બચ્ચાને જોઈને વરુના મનમાં એક યુક્તિ આવી. તેણે વિચાર્યું કે કોઈક રીતે આ બચ્ચા પર હુમલો કરીને તેને પોતાનું બપોરનું ભોજન બનાવી શકાય.
વરુએ જોરથી બૂમ પાડી કહ્યું, “એ ઘેંટાના બચ્ચા! મારું પાણી ગંદું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું તું જોતો નથી કે હું અહીં પાણી પી રહ્યો છું?”
બિચારું ઘેંટું વરુનો આવો ઉંચો અવાજ સાંભળી ગભરાઈ ગયું. માફી માંગતા તેણે કહ્યું, “તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે, સાહેબ! હું તમારું પાણી કેવી રીતે ગંદું કરી શકું? તમે ત્યાં ઉંચાઈ પર છો, અને હું અહીં નીચે છું. પાણી તો તમારી તરફથી વહીને મારી તરફ આવે છે.”

વરુ સમજી ગયો કે આ ઘેંટાનું બચ્ચું એટલું સહેલાઈથી ભોળવાઈ જનાર નથી. હવે તેણે નવી યુક્તિ વિચારવાનું શરૂ કર્યું. વરુને કોઈ પણ હેતુથી ઝગડો કરવો હતો, જેથી તે ઘેંટાને મારી નાખવાનું કારણ શોધી શકે અને તેના સ્વાદિષ્ટ માંસનો આનંદ લઈ શકે.
વરુએ કહ્યું, “તને યાદ છે, એક વર્ષ પહેલા તું મને કેટલી ધમકીઓ આપતો હતો અને મારા માટે કેટલા અપશબ્દો ઉચ્ચારતો હતો?”
આશ્ચર્યથી ઘેંટાનું બચ્ચું બોલ્યું, “એ કેવી રીતે શક્ય છે? એક વર્ષ પહેલાં તો મારો જન્મ પણ નહોતો થયો.”
વરુએ ત્રાડ પાડી કહ્યું, “બકવાસ ના કર, મૂર્ખ! શું તું મને મૂર્ખ સમજે છે? મને બરાબર યાદ છે, જો તું કહે છે કે એ તું નહોતો, તો એ તારા પિતા જ હશે.”
ડરથી ધ્રુજતા ઘેંટાના બચ્ચાએ વિનંતી કરી, “મારા પિતાના આવા વર્તન બદલ હું દિલગીર છું. હું તમારી માફી માંગું છું, પરંતુ હવે હું શું કરી શકું?”
વરુએ કહ્યું, “મને લાગે છે કે તું અને તારા પિતા બંને બદમાશ છો. તમે પહેલાં ખોટાં કામો કરો છો અને પછી મારા જેવા સજ્જન સાથે દલીલો કરી પોતાનો દોષ માનવાને બદલે છટકવાનો પ્રયાસ કરો છો. મને લાગે છે કે તારા જેવા દુષ્ટોને મારે પાઠ ભણાવવો જ પડશે!”
બિચારું ઘેંટાનું બચ્ચું વરુની આ યુક્તિ સમજી શક્યું નહીં. તે શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલાં જ ધૂર્ત વરુ તેના પર ઝપટ્યો અને એક જ વારમાં તે નાનકડા ભોળા બચ્ચાનો શિકાર કરી ગયો.
આ વાર્તા આપણને શીખવે છે કે દુષ્ટ વ્યક્તિઓ કોઈને પરેશાન કરવા માટે કોઈ ને કોઈ કારણ શોધી જ લે છે. આવા અનિષ્ટ પાત્રોથી દૂર રહેવું જ સલામતીનો માર્ગ છે.